ડો. હિરલ જગડ સલાહ મનોવૈજ્ઞાનિક, જિલ્લા પંચાયત કચેરી, આરોગ્ય શાખા, ભાવનગર

મંગળવાર, 1 જૂન, 2021

आखरी रंग 🌈


આકર્ષિત થવા કે પ્રભાવિત થવા માટે ક્યાં મૂળભૂત કારણ જવાબદાર હોય ?
અફકોર્સ વ્યક્તિ વ્યક્તિએ આમા વિવિધતા હશે..કોઈને સરળ, સહજ સુંદરતા મોહી લેતી હશે..તો કોઈ ઠાઠ અને ઠઠારો જોઈ મોહાય જતાં હશે..કોઈને સુડોળ અને પરફેકટ શરીર ખેંચી જતું હશે તો કોઈને કસાયેલું મગજ અને ઘસાયેલ જિંદગી ગમી જતી હશે.
હું મારું અંગત વલણ કહું તો મને કોઈનાથી પ્રભાવિત થવા માટે એની અથાક મહેનત અને " નોટ ટુ કવિટ " એટીટ્યુડ ગમી જાય છે..કોઈએ આંબાની જેમ પોતાની જિંદગીને વાવીને સતત એની માવજત કરી હોય એ બહુ સોહામણું લાગે..અસંખ્ય વર્ષો સુધી રાહ જોતા જોતા ધગશ અને જુનુન અકબંધ રાખવાનું..પોતાની આવડત અને અનુભવનું ખાતર નાખતા રહેવાનું અને એક દિવસ આંબે મીઠું ફળ આવશે તેની ઘેલછા રાખવાની.. ઈનશોર્ટ પોતાના પગ પર સધ્ધર થયેલ વિચારો અને વિટામિન એમથી અધ્ધર ગયેલ વ્યક્તિ મને આકર્ષી જાય છે.


આજે આવા જ એક વ્યક્તિની વાત કરીએ..નામ છે વિકાસ ખન્ના પંજાબના અમૃતસરમાં જન્મેલ સાધારણ પરિવારનો છોકરો..સામાન્ય માન્યતા મુજબ અન્નપૂર્ણા એટલે સ્ત્રી..કેમકે પાકશસ્ત્રમાં તેઓ વધુ પારંગત હોય છે..પણ આ સ્ત્રી સમૂહના દબદબા વચ્ચે વિકાસ ખન્ના એ વિકાસ હાંસિલ કર્યો છે..માસ્ટર શેફ ઓસ્ટ્રેલિયા પરથી માસ્ટર સેફ ઇન્ડિયામાં ખૂબ ચર્ચિત નામ થયું..હાલ ન્યુયોર્કમાં વસતા આ પંજાબી પુરુષની બીજી ઘણી રસપ્રદ વાતો છે પણ આજે આપણે તેમના દ્વારા લખાયેલ અને એમાંથી નિર્મિત થયેલ ફિલ્મની વાત કરીએ..

નામ છે " ધ લાસ્ટ કલર " એકનજર કરતા આમ ખૂબ સામાન્ય લાગતી વાતને ગંભીરતાથી અને લાગણીથી છલોછલ ભરેલી આ વાત એટલે આ પુસ્તક કે ફિલ્મની કથા..અહીં કોઈ નાયક નથી..આખો પ્લોટ એક વિચાર પર નભેલો છે, અન્યાય અને અસ્પૃશ્યતાના વિચાર પર.

ત્રણ મુખ્ય નાયિકાઓ પર રચાયેલ આખી વાર્તા કેટલું બધુ કહી જાય છે..છોટી, નુર અને અનારકલી સમાજના જુદા જુદા વર્ગોનું પ્રતિનિધિત્વ કરતી અને તેમની દશા વિશેની વાસ્તવિકતા ખોલતી આ સ્ત્રીઓ આબેહૂબ વર્ણન કરવામાં સફળ રહી છે.


છોટી કે જે વારાણસીના ઘાટ પર ભટકતુ એક અછૂત પાત્ર કે જેને રોજ થતા અનુભવે અને અછૂત હોવાની સમાજની નજરોએ ઉંમર કરતાં વધુ પરિપક્વ અને સમજુ બનાવી દીધી છે..જે ભણવાના પૈસા ભેગા કરવા દોરડા પર ચાલીને રોડ પર જુદા જુદા ખેલ કરે છે...એને કદાચ એમ ખબર છે કે ભણી ગણીને આ અસ્પૃશ્યતાની વાતને આ ઘાટના પાણીમાં વહાવી શકીશ..આખી વાર્તામાં એના ઘણા બધા સંવાદો સ્પર્શી જાય છે પણ એક સંવાદ છે કે જ્યાં તે કહે છે કે ," મેં કૂતરાને પ્રેમ કર્યો તો તે રડવા લાગ્યું..કેમ કે તેને પ્રેમની આદત નથી હોતી.." અહીં કૂતરાની જેમ છોટીને પણ પ્રેમની આદત નથી જ. 

નુર છે એક વિધવા સ્ત્રી કે જેણે ભરયુવાનીમાં જ પોતાના ભરથારને ગુમાવો પડ્યો...આજે જ્યારે ઠેર ઠેર વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમો ખુલ્યા છે એવી જ રીતે વારાણસીમાં વિધવાઆશ્રમો ખુલ્યા હોય છે..વિધવા થયેલ સ્ત્રીને ત્યાં ચોક્કસ નિયમોનું પાલન કરતાં જીવવાનું..સફેદ રંગ સિવાયના બધા રંગોની બાદબાકી કરી નાખવાની..ફરસાણ કે મીઠાઈ તો દૂર ચા સુદ્ધા વર્જિત ગણાય..મોજ શોખને પતિની ચિંતા સાથે બાળી દેવાના અને પછી એની અસ્થિ સાથે અંદર રહેલ એક હસતી રમતી આત્માને ઘાટના પાણીમાં પધરાવી દેવાની અને નીરસ જીવન જીવતી લાશની જેમ જીવ્યા રાખવાનું.

અનારકલી એક કિન્નર જાતિ...કે જેનું વ્યક્તિત્વ સમાજને ક્યારેય સમજાયું જ નથી, મન પડે ત્યારે તેને વાપરીને તેને જ નીચું અને હલકું સમજનાર આપણો સમાજ એની માનસિકતાથી ક્યારે આધુનિક થશે ??? તે વાત આગળ બહુ મોટો પ્રશ્નાર્થ છે.

અહીં આખી વાર્તા આ ત્રણેયની આસપાસ રચાયેલ છે...એક મેકની ખુશીમાં ખુશી જોવી..બીજાને દુઃખને સ્પર્શીને તેમાં થોડી બાદબાકી કરવી આ આખી ઘટના છે..શરૂઆત ૨૦૧૨ના વર્ષ દરમ્યાન આવેલ ચુકાદાથી થાય છે કે જેમાં વિધવા પર રંગોથી દૂર રહેવા પાછળ ચાલતી સમાજની નબળી માનસિકતાને તમાચો પડે છે..છોટી આજે ખરેખર સ્પર્શી ન શકાય તેવી ઊંચાઈ પર પહોંચી છે..વકીલ બનીને કાયદો અને નુરને કરેલ વાયદો નિભાવે છે..એ વિધવા આશ્રમમાં બધી જ વિધવા સ્ત્રીઓ સાથે હોળી રમે છે.

વાર્તામાં કેટલાક હ્રદય દ્રવી ઉઠે એવા ભાગો છે કે જેમાં,
ટ્રક ડ્રાઈવરનું વારંવાર છોટી ઉપર થુકવુ,
છોટીનું નૂરને નેઇલ પોલિશ લગાવું,
પોલીસ ઇન્સ્પેકટરની પત્નીનું ઘાટમાં ન નાહવા જવું,
અનારકલી એ કરેલ નાનકડો બળવો,
છોટી અને તેના મિત્રની નિસ્વાર્થ મિત્રતા,
નુરનું છોટી માટે ફોર્ક સીવવું,
અગાશી પર રિવાજ અને લદાયેલા બંધનને નેવે મૂકીને નૂરનું મન ભરીને નાચવું,
નુરની અંતિમ યાત્રા પર વગર કોઈ સહારે દોરડા પર ચાલીને તેના પર રંગ છાંટવો.

એક કથાની અંદર કેટલી બધી વાર્તાઓ અલબત ક્યાંક ચૂક થઈ છે..બધી જ વાત કે વિચારને પૂરતો ન્યાય મળ્યો નથી તેમ છતાં એના કેંદ્રબિંદુ સાથે તે વળગી રહ્યું છે...વાંચનનો શોખ હોય તો આ પુસ્તક ખરીદો અને વાંચી લો ફટાફટ અને ફિલ્મ જોવાના શોખીન હોઉં તો આજે જ જોઈ લો...અંતમાં સઈદ કાદરીના શબ્દો..

बेरंग सी है बड़ी ज़िन्दगी कुछ रंग तो भरूँ
मैं अपनी तनहाई के वास्ते अब कुछ तो करूँ।
जब मिले थोड़ी फुर्सत, मुझसे कर ले मुहब्बत
है तुझे भी इजाज़त, कर ले तू भी मुहब्बत ।।

~ ડૉ. હિરલ એમ જગડ ' હીર '


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

आखरी रंग 🌈

આકર્ષિત થવા કે પ્રભાવિત થવા માટે ક્યાં મૂળભૂત કારણ જવાબદાર હોય ? અફકોર્સ વ્યક્તિ વ્યક્તિએ આમા વિવિધતા હશે..કોઈને સરળ, સહજ સુંદરતા મોહી લેતી ...